સુરત શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કરવા જે રીત અપનાવી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી પેક કરી દીધી હતી.


શંકા અને હત્યાનો મામલો

મળતી માહિતી મુજબ, સલાબતપુરામાં રહેતા પતિને પોતાની પત્ની શિલ્પા સાલ્વે પર અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આ શંકાના વહેમમાં પતિએ શિલ્પાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પકડાઈ જવાની બીકે તેણે લાશને એક લાકડાની મોટી પેટીમાં ભરી દીધી હતી અને ઉપરથી સિમેન્ટનું પડ ચડાવી તેને સંપૂર્ણપણે પેક કરી દીધી હતી જેથી ગંધ ન આવે.

'પત્ની ગુમ છે' કહી બનાવ્યું તરકટ

પોતાના પાપ પર પડદો નાખવા માટે આરોપી પતિએ આસપાસના લોકો અને સંબંધીઓને એવું જૂઠું કહ્યું હતું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. જોકે, પોલીસ તપાસ દરમિયાન ઘરની અંદરથી એક શંકાસ્પદ પેટી અને એક ચિઠ્ઠી મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ચિઠ્ઠીમાં કબૂલાત અને પોલીસ કાર્યવાહી

આરોપી પતિએ એક ચિઠ્ઠીમાં તમામ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે, "પત્નીની હત્યા માટે તે પોતે જ જવાબદાર છે." પોલીસે મેજિસ્ટ્રેટ અને એફએસએલ (FSL) ની હાજરીમાં પેટી ખોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Rajkot News: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગી આગ, ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે


  • Follow us on: