રાજકોટના અત્યંત વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ
રવિવારની રજા હોવાથી ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને બાળકો હાજર હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગતા જ અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.
બચાવ કામગીરી શરૂ
ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કાલાવડ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ બચાવ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યો છે. અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા તે અત્યારે તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે.
ગેમ ઝોનમાંથી 200થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ
કાલાવડ રોડ પર આવેલા ‘ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં લાગેલી આગમાં એક મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ છત પર લાગેલા સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સમયસર વાગી ઉઠ્યા હતા. એલાર્મ વાગતા જ ગેમ ઝોન મેનેજમેન્ટ અને સુરક્ષા કર્મીઓએ સતર્કતા દાખવી અંદર હાજર 200થી વધુ લોકોને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
https://x.com/sandeshnews/status/2048406438591316294
ઉનાળુ વેકેશન હોવાને કારણે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો મોજ-મસ્તી માટે આવ્યા હતા. હાલમાં સમગ્ર ગેમ ઝોનને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે તમામ લોકો સુરક્ષિત હોવાના સમાચારથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો - Rajkot News: વોર્ડ 12ના મતદાન મથકે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તીખી તકરાર