જામનગર શહેર અને જિલ્લામાં રાંધણગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને કાળાબજારીને ડામવા માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાહકોએ બે એલ.પી.જી. (LPG) સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવો અનિવાર્ય રહેશે.
પુરવઠાનું સંતુલન જાળવવા નિર્ણય
કેન્દ્ર સરકારના સૂચન અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથેના સંકલન બાદ જિલ્લા પ્રશાસને આ નિયમનો કડક અમલ શરૂ કર્યો છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા એલ.પી.જી. અને પી.એન.જી. (PNG) ના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓથી ભ્રમિત ન થાય અને જરૂરિયાત કરતા વધુ રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે.










