જામનગરના હાર્દ સમાન લાલ બંગલા વિસ્તારમાં આવેલી જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ, શોર્ટ સર્કિટને કારણે આ આગ ફાટી નીકળી હતી. સવારના સમયે કચેરી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.
આરોગ્ય વિભાગની ઓફિસમાં લાખોનું નુકસાન
આ આગ ખાસ કરીને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ઓફિસમાં પ્રસરી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ઓફિસમાં રહેલા કોમ્પ્યુટરો, એસી (AC), ઓફિસ ફર્નિચર અને અનેક મહત્વની ફાઈલો બળીને ખાક થઈ ગઈ છે. સ્થાનિકો દ્વારા ધુમાડાના ગોટેગોટા જોતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લાખોની કિંમતનો સામાન બળી ગયો હતો.













