જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આજે એક કરૂણ અને ભયાનક આગની દુર્ઘટના સર્જાઈ છે. કાલાવડના ધોરાજી રોડ પર આવેલા ઝુંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં છ જેટલા ગરીબ પરિવારોના આશિયાના બળીને ખાખ થઈ ગયા છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
બાળકોનો સમયસૂચકતાથી બચાવ
આ ઘટનાની સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે આગ લાગી ત્યારે ઝુંપડામાં નાના બાળકો રમી રહ્યા હતા. આગની જ્વાળાઓ પ્રસરતા જ બાળકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઝુંપડાની બહાર દોડી ગયા હતા. બાળકોના આ સતર્કતાભર્યા પગલાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો.













