જામનગરમાં માફિયાગીરી અને સંગઠિત ગુનાખોરી આચરનાર તત્વો સામે વહીવટી તંત્ર અને પોલીસે લાલ આંખ કરી છે. ગુજસીટોકના ગુનાના આરોપી અલ્તાફ ખફી દ્વારા જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જામનગરના ટીટોડીવાડી વિસ્તારમાં આવેલા કરોડોની કિંમતના ગેરકાયદેસર બાંધકામને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તોડી પાડવામાં આવ્યું છે.


ડિમોલિશનની વિગત

મળતી માહિતી મુજબ, અલ્તાફ ખફી દ્વારા ટીટોડીવાડીના બંગલા વાડી વિસ્તારમાં અંદાજે 12 હજાર સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હતો. આ જગ્યા પર તેણે આલીશાન ફાર્મ હાઉસ અને અન્ય બાંધકામો ઉભા કરી દીધા હતા. તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવા માટે આયોજનબદ્ધ રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે મશીનરીની મદદથી ગેરકાયદેસર ઉભા કરાયેલા ફાર્મ હાઉસના માળખાને તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. જામનગરમાં ભૂમાફિયાઓ અને ગુનેગારો દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીનો પર તંત્રની આ કામગીરીને પગલે અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


આ પણ વાંચો--    Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ

  • Follow us on: