જામનગરના રણજીત સાગર ડેમ રોડ પર આવેલા પ્રસિદ્ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આગ લાગી ત્યારે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં લગ્ન માટેનો ભવ્ય મંડપ, ટેબલ-ખુરશી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
મંડપના ભાગે આગ લાગી
મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન સમારંભની તૈયારીઓ અને પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મંડપના ભાગે આગ લાગી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્નમાં આવેલા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની લપેટમાં મંડપનો ડેકોરેશનનો સામાન અને ખુરશીઓ આવતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
