જામનગરના હાપા વિસ્તારમાં આવેલી 'મધુસુદન મસાલા'ની ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં મસાલા અને ખાસ કરીને મરચાનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ફાયર વિભાગની ત્વરિત કામગીરી

ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

લાખોનું નુકસાન

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો મરચાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ કેવી રીતે લાગી તે અંગેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Navsari: વિશ્વ મહિલા દિવસે નવસારીમાં જલોત્સવ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે મહિલાઓ પાસે જળસંચયની લેવડાવી પ્રતિજ્ઞા