જામનગર શહેરમાં આચારસંહિતા અને ચૂંટણીના માહોલ વચ્ચે શાંત પડેલું ડિમોલિશનનું કામ ફરી એકવાર વેગવંતુ બન્યું છે. રવિવારે વહેલી સવારે જામનગર મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હાપા રોડ પર આવેલા ઇસ્કોન મંદિર સામે ત્રાટકી હતી અને મોટા પાયે દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી.

જામનગર શહેરમાં 1.20 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી કરાવાઈ

મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મળેલી વિગતો મુજબ, હાપા ઇસ્કોન મંદિર સામે આવેલી આશરે ૧,૨૦,૦૦૦ ચોરસ ફૂટ જમીન પર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હતો. આ જમીન ખાસ કરીને શહેરી ગરીબ આવાસ યોજના માટે ફાળવવામાં આવેલી હતી, જેના પર કેટલાક આસામીઓએ કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દીધા હતા.

ભારે કાફલા સાથે કાર્યવાહી

આ ડિમોલિશન ઓપરેશનમાં તંત્રએ કોઈ કચાશ બાકી રાખી નહોતી.8 જેસીબી મશીન અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એસ્ટેટ, સ્લમ વિભાગ, લાઈટ, ફાયર અને સિક્યોરિટી વિભાગના મળીને કુલ 50થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. પીજીવીસીએલ (PGVCL) ની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

16 આસામીઓના દબાણ દૂર

તંત્રએ કુલ 16 જેટલા આસામીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોને જમીનદોસ્ત કર્યા છે. ચૂંટણી દરમિયાન કામગીરી અટકી પડી હોવાથી તેનો લાભ લઈ ખડકાયેલા દબાણો પર પાલિકાએ લાલ આંખ કરી છે. આ કાર્યવાહીને પગલે જામનગરના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ડિમોલિશન ચાલુ રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: ચિલોડા પોલીસે પિસ્તોલ અને દેશી તમંચા સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી