રાજકોટ ગ્રામ્ય વિસ્તારના હાઇવે ફરી એકવાર લોહિયાળ સાબિત થયા છે. જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસકર્મી ભગવાન વિઠ્ઠલભાઈ બેરાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ફરજ દરમિયાન જ બનેલી આ દુર્ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આટકોટ પોલીસ મથકના જવાન ભગવાનભાઈ બેરાણી પોતાની ફરજના ભાગરૂપે બાઈક લઈને જસદણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બરવાળા ગામની સીમ નજીક સામેથી આવી રહેલી એક પૂરપાટ અને બેફામ ઝડપે દોડતી ઈકો કારના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઇવે પર બાઈકના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા અને પોલીસકર્મી ભગવાનભાઈ રોડ પર પછાડાતા તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થઈ હતી. વધુ પડતું લોહી વહી જવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ દમ તૂટી ગયો હતો.










