સવારની પાળીમાં છોકરાઓ અને બપોરની પાળીમાં છોકરીઓને ભણતર આપવામાં આવે છે. ગામની શ્રીજંગવડ કુમાર તથા કન્યા પ્રાથમિક શાળાની ઈમારત જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા ચાર મહિનાથી આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. છતાં પણ શિક્ષણ વિભાગ તરફથી હજી સુધી કોઈ અન્ય યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.

શાળામાં શિક્ષકોની તંગી પણ જોવા મળી છે

હાલ કોમ્યુનિટી હોલમાં એક જ જગ્યા પર અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના કારણે ભારે ઘોંઘાટ થાય છે. અલગ વિષયનું ભણતર એકસાથે કરાવવું લગભગ અશક્ય બને છે. કુમાર શાળામાં માત્ર 5 શિક્ષકો અને કન્યા શાળામાં 6 શિક્ષકોના આધારે ધોરણ 1 થી 8ને ભણાવવાની ફરજ પડી રહી છે, જેને લઈને શિક્ષકોની પણ તંગી જોવા મળે છે.

વિદ્યાર્થીઓને બપોરના ભોજન માટે પાછા જર્જરિત શાળામાં મોકલવામાં આવે છે !

ગામના જાગૃત નાગરિક લક્ષ્મણભાઈ રાઘવભાઈ નારીગરા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ગાંધીનગર સુધી લેખિતમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે,એક જ હોલમાં આઠ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ કેવી રીતે સાચું ભણતર મેળવી શકે? તેમના ભવિષ્ય સાથે રમખાણ થઈ રહ્યું છે.”શાળાની મુલાકાત દરમિયાન પણ એક જ હોલમાં ભણતર ચાલી રહ્યું હતું અને ભારે ઘોંઘાટ જોવા મળ્યો. વાલીનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓને બપોરના ભોજન માટે પાછા જર્જરિત શાળામાં મોકલવામાં આવે છે. જે તેમના જીવ માટે જોખમરૂપ છે.

આ સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે !

વાલીઓની માગ છે કે, દરેક ધોરણ માટે અલગ કક્ષાઓ હોવી જોઈએ, યોગ્ય લેટરિન-બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ, અને તાત્કાલિક નવું સ્કૂલ બિલ્ડિંગ ન મળે ત્યાં સુધી અન્ય યોગ્ય સ્થળે બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે. તાલુકા શિક્ષણ અધિકારી ધવલભાઈ રામાનુજનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબદારી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની જણાવી પોતાને જવાબદારીમાંથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું વાલીઓનું કહેવું છે. ગ્રામજનો અને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ભણવાનું છે તે ભણી શકતા નથી.”

આ પણ વાંચો : Anand News : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે Sardar@150 માર્ચમાં જોડાઈ, રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો