સુરતથી મુસાફરો ભરીને દેરડી કુંભાજી જવા નીકળેલી શક્તિધામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસને આજે વહેલી સવારે જસદણ ટાઉનમાં પ્રવેશતા જ રેલ્વે સ્ટેશન રોડ નજીક મોટો અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 4:00 વાગ્યે જ્યારે બસમાં સવાર મોટાભાગના પ્રવાસીઓ ઘાઢ નિંદ્રામાં હતા, ત્યારે બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આખી લક્ઝરી બસ હાઇવેની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતાં જ ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો.
ડ્રાઈવરની જોખમી સ્પીડ અને કાવા મારવાની આદત
અકસ્માતમાં આબાદ બચેલા અને સામાન્ય ઈજા પામેલા મુસાફરોએ હોસ્પિટલના બિછાનેથી ડ્રાઈવરની કરતૂત પરથી પર્દાફાશ કર્યો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ, સુરતથી નીકળ્યા બાદ ડ્રાઈવર સતત ઓવરસ્પીડમાં બસ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, હાઇવે પર ભારે વાહનોને ઓવરટેક કરવા માટે તે બસના જોખમી કાવા મારી સ્ટંટબાજી કરતો હતો. મુસાફરોએ રસ્તામાં 3 થી 4 વખત ડ્રાઈવર પાસે જઈને બસ ધીમી ચલાવવા માટે કડક ટકોર પણ કરી હતી, પરંતુ તે નશામાં હોય કે ઓવર-કોન્ફિડન્સમાં, તેણે પ્રવાસીઓની વાતને નજરઅંદાજ કરી હતી. અંતે ડ્રાઈવરની આ જ લાલિયાવાડી અને બેદરકારીના કારણે ૨૨ લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી.










