છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો ઊંચો રહેવાના કારણે નાગરિકો અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આકાશમાં વાદળો બંધાતા હોવા છતાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા. જો કે, આજે વહેલી સવારથી જ કુદરતે કરવટ બદલી છે. છોટાઉદેપુર શહેર સહિત જિલ્લાના જુદા જુદા તાલુકા મથકો અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારના 5:00 વાગ્યાથી જ મેઘરાજાની ધીમીધારે બેટિંગ શરૂ થઈ ગઈ છે.


[[$googlead]]

જનજીવન પર ચોમાસાની પ્રથમ અસર

ધોધમાર વરસાદ પડવાને બદલે સતત ઝરમર અને ધીમીધારે વરસી રહેલા વરસાદે સમગ્ર પંથકને ભીંજવી દીધો છે. વહેલી સવારથી શરૂ થયેલી આ મેઘમહેરના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી છે. સવારના સમયે શાકભાજી માર્કેટ, દૂધની ડેરીઓ અને નોકરી-ધંધાર્થે જતા લોકોએ રેઇનકોટ અને 667છત્રીનો આશરો લેવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી વહેતા થવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી. જો કે, આ વરસાદના કારણે વાતાવરણ એટલું આહલાદક અને ઠંડુગાર બની ગયું છે કે લોકો ગરમીના દિવસો ભૂલીને ચા-નાસ્તાની લારીઓ પર ચોમાસાની મજા માણતા નજરે પડ્યા હતા.

ધરતીપુત્રો માટે આશીર્વાદ સમાન વરસાદ

છોટાઉદેપુર જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર હોવાથી આ વરસાદ સ્થાનિક અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે. કપાસ, મકાઈ, તુવેર અને ડાંગરના પાક માટે આ ધીમીધારનો વરસાદ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે કારણ કે આવો વરસાદ જમીનમાં ઉતરે છે અને જમીનને નરમ બનાવે છે. લાંબા સમયની ચિંતાજનક રાહ જોયા બાદ મેઘરાજાએ પધરામણી કરતાં જ જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને ખેતરોમાં ખાતર તેમજ બિયારણની વ્યવસ્થા કરવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. જો આગામી બે દિવસ આ જ રીતે વરસાદ ચાલુ રહેશે, તો જિલ્લામાં સાર્વત્રિક ખરીફ વાવણીના શ્રીગણેશ થઈ જશે.

[[$alsoread]]

આ પણ વાંચો: Surat: ન્યૂ ડિંડોલીનો રોડ બેસી જતાં SMC એક્શનમાં, 50 થી વધુ રોડ કોન્ટ્રાક્ટરોને કડક નોટિસ


  • Follow us on: