સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઈ જવાની અને બિસ્માર બની જવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આ વર્ષે ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાંની સાથે જ ન્યૂ ડિંડોલી વિસ્તારમાં બનેલો નવો નકોર રસ્તો અચાનક મોટો ખાડો પડીને બેસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને વિપક્ષ તેમજ જનતા દ્વારા પાલિકાની કામગીરી પર ફિટકાર વરસાવવામાં આવતા હરકતમાં આવેલા એન્જિનિયરિંગ વિભાગ અને કમિશનરે તમામ ઝોનના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ સુરતના ઇતિહાસમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી મોટી કાર્યવાહીનો આદેશ છૂટ્યો છે.
50 થી વધુ કોન્ટ્રાક્ટરોની ઊંઘ હરામ
પાલિકાના ડેપ્યુટી ચીફ એન્જિનિયર દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં રસ્તાના પ્રોજેક્ટ્સ સંભાળતા 50થી વધુ કોન્ટ્રાક્ટરોને સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, હવેથી ક્વોલિટી કંટ્રોલમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જો ચાલુ ચોમાસા દરમિયાન કોઈપણ વિસ્તારનો રસ્તો ગેરંટી પિરિયડમાં તૂટશે, કે તેમાં મોટા ખાડા પડશે, તો તે એજન્સીના ચાલુ પ્રોજેક્ટના ટેન્ડર તાત્કાલિક અસરથી રદ કરીને તેને ભવિષ્ય માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.










