રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર અને ડીઆઈજી નિર્લીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. શિવરાજપુર ગામ પાસે આવેલી એક હોટલ નજીકથી પોલીસે ૧૦૮ કિલોથી વધુ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઓડિશાથી વાયા ટ્રક સપ્લાય
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના રસ્તે આવેલી 'જય વિહળનાથ હોટલ' પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઓડિશાથી આવી રહેલી અશોક લેલન કંપનીની ટ્રક (GJ-06-AT-9438) ને અટકાવી તલાશી લેતા તેમાંથી છુપાવીને રાખેલો 108 કિલો 331 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 54,16,550 જેટલી થાય છે.
કુલ 84 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે માદક પદાર્થ ઉપરાંત 30 લાખની કિંમતની ટ્રક અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 84,31,550 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજુભાઈ ચૌહાણ (બોટાદ), કાદરશા શેખ (જામનગર) અને નરેશભાઈ લીંબડીયા (બોટાદ) તરીકે થઈ છે.
વોન્ટેડ આરોપીઓની શોધખોળ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો ઓડિશાના સપ્લાયર અલેખા બહેરા પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે જામનગરના કાલાવાડના મહમદરફીક અને અબ્દુલલતીફ નામના શખ્સોએ મંગાવ્યો હતો. પોલીસે આ ત્રણેય મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રમાં નશાના નેટવર્કને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
આ પણ વાંચો: Ahmedabad News: SVP હોસ્પિટલમાં AMC કર્મીઓને પગાર આધારિત કેશલેસ સારવાર મળશે