રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડાં સમયથી ધરતીના પેટાળમાં થતી હલચલને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ખાસ કરીને જેતપુરના લુણાગરી ગામમાં ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાની વિગતો સામે આવતા સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.
વારંવાર ધ્રુજતી ધરાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો
મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં નાના મોટાં 12 આંચકાં અનુભવાયા છે. વારંવાર ધ્રુજતી ધરાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. લુણાગરી ગામ, જે ભાદર નદીના કાંઠે આવેલું છે તે જગ્યા પર આંચકાની તીવ્રતા વધારે હોય છે.જે પ્રમાણે અહિંયા વારંવાર આંચકાં આવવાને કારણે લુણાગરી અને આસપાસના વિસ્તારના લોકો જીવ બચાવવા માટે પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં એવો ડર છે કે તેઓ પોતાના ઘરમા પાછાં જતા પણ અચકાય છે.
ભાદર નદીના કાંઠે સતર્કતા
ભાદર નદીના કિનારે વસેલું લુણાગરી ગામ ભૌગોલિક રીતે પણ સંવેદનશીલ હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સતત આવતા આંચકા એ કોઇ મોટી કુદરતી હોનારતા સંકેત તો નથી ને ? તેવા અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યા છે. હાલમાં આ ભૂકંપના કારણે કોઇ જાનમાલનું નુકસાન થયુ નથી.










