જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ધાર્મિક પ્રસંગ પૂર્ણ થયા બાદ કથાનો મંડપ હટાવવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમિકોને હાઈ-વોલ્ટેજ વીજ કરંટ લાગ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રણ શ્રમિકો વીજ કરંટની ચપેટમાં
મળતી વિગતો મુજબ, જેતપુરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સંપન્ન થયા બાદ મંડપ સર્વિસના શ્રમિકો લોખંડના મંડપ અને થાંભલા ઉખેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો એક મોટો પાઈપ ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવતા વાયરને અડી ગયો હતો. લોખંડનો પાઈપ વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોરદાર કરંટ ઉતર્યો હતો અને કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તેની ચપેટમાં આવી ગયા હતા.
