રાજકોટ જિલ્લાના જેતપુરમાં સેલ્ફી લેવાના ક્રેઝમાં એક યુવકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેતપુર ભાદર નદીના પુલ પર આવેલા રેલવે ટ્રેક પર એક બાઇક સવારે પોતાનું વાહન ટ્રેક પર મૂકી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી આવતી ટ્રેનની અડફેટે બાઇક આવી જતાં તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભાદર નદીના પુલ પર બની ઘટના

ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદીના રેલવે પુલ પર એક યુવક પોતાનું બાઇક લઈને ચડી ગયો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવક રેલવે ટ્રેક પર બાઇક ઊભું રાખીને સેલ્ફી લેવા માંગતો હતો. આ જ સમયે ટ્રેક પર પુના-વેરાવળ ટ્રેન આવી પહોંચી હતી. ટ્રેનને સામે આવતી જોઈ બાઇક ચાલક ગભરાઈ ગયો હતો અને પોતાનું બાઇક ટ્રેક પર જ છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બાઇકનો કચ્ચરઘાણ, 10 મિનિટ સુધી ટ્રેન થંભી

ટ્રેનના એન્જિન સાથે બાઇક અથડાતા જ તેનો જોરદાર અવાજ આવ્યો હતો અને બાઇકના ફુરચા ઊડી ગયા હતા. ટ્રેન ચાલકે તાત્કાલિક બ્રેક લગાવી ટ્રેન ઊભી રાખી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ટ્રેનના એન્જિન નીચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને પગલે ટ્રેન અંદાજે 10 મિનિટથી વધુ સમય સુધી ઘટના સ્થળે ઊભી રહી હતી. રેલવે સ્ટાફ દ્વારા ટ્રેક ક્લિયર કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રએ તપાસ હાથ ધરી છે. સેલ્ફીના શોખમાં ટ્રેન ઉથલાવવાનો અથવા મુસાફરોના જીવ જોખમમાં મૂકવાનો આ પ્રકારનો પ્રયાસ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો - Rajkot News: બાળકોના અપહરણ મામલે ક્રાઈમ DCPએ કર્યો મોટો ખુલાસો