રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે ગત રોજ સર્જાયેલા ગમખ્વાર કાર અકસ્માત મામલે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ એક યુવકે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડતા મૃત્યુઆંક વધીને બે થયો છે.


જેતપુરની પેઢલા ચોકડી પાસે અકસ્માત

અગાઉ આ અકસ્માતમાં 20 વર્ષીય અવધ અરવિંદભાઈ તિવારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. 20) ને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું પણ મોત નિપજ્યું છે. આ ઉપરાંત અન્ય એક યુવાન અક્ષય પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ. 20) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને બેફામ સ્પીડ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ યુવાનો કારમાં સવાર થઈને ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. અકસ્માત સર્જાયાના થોડા સમય પહેલા જ યુવાનોએ પોતાની કાર 150 કિમીની ઝડપે દોડતી હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે અપલોડ કર્યો હતો. આ બેફામ ગતિના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈને ફાર્મ હાઉસની દીવાલમાં ઘૂસી ગઈ હતી.

પોલીસ કાર્યવાહી

આ સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા યુવાનોની બેદરકારી અને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે બે યુવાનોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: Surat: વેપારીને ચૂનો ચોપડનાર ઠગ આખરે સકંજામાં, પોલીસથી બચવા ઓળખ છુપાવી આશ્રમમાં લીધો હતો આશરો


  • Follow us on: