જૂનાગઢથી આણંદ જતી એસટી બસમાં રાત્રિના સમયે એક યુવતીની છેડતીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચૂર થઈને બસમાં ધમાલ મચાવનારા અને યુવતી સાથે અભદ્ર ચેષ્ટા કરનારા બિરજુ નામના શખ્સને જેતપુર પોલીસે ઝડપી પાડી, આજે તેનું જાહેરમાં સરઘસ કાઢીને ગુનેગારોમાં કાયદાનો ખૌફ જગાડ્યો છે.
નશામાં ધૂત શખ્સનું અભદ્ર વર્તન
મળતી માહિતી મુજબ, જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા બિરજુ નામના શખ્સે નશાની હાલતમાં એક યુવતીની છેડતી કરી હતી. યુવતીએ વિરોધ કરતા તેણે વધુ અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન બસના કંડક્ટરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કંડક્ટર સાથે પણ ઉગ્ર માથાકૂટ અને ગાળાગાળી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જેતપુર પોલીસ સ્ટેશને લવાઈ બસ
યુવતીની સુરક્ષા અને મામલો વણસતા એસટી બસને તાત્કાલિક રાત્રે જ જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી. યુવતીની ફરિયાદ અને કંડક્ટરના નિવેદન બાદ પોલીસે તાત્કાલિક અસરથી બિરજુની ધરપકડ કરી હતી.
જાહેરમાં સરઘસ અને રિકન્સ્ટ્રક્શન
આજે જેતપુર સિટી પોલીસ દ્વારા આરોપી બિરજુનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે જેતપુર એસટી બસ સ્ટેન્ડથી લઈને સિટી પોલીસ સ્ટેશન સુધી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. લોકોના ટોળા વચ્ચે પોલીસ તેને પગપાળા લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુદ્ધ છેડતી અને નશાબંધી સહિતના બે અલગ-અલગ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Kutch: પાકિસ્તાની સરહદ નજીક ડ્રોનના ટુકડા મળતા ખળભળાટ, આ ટુકડા કયા દેશના અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ