જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના હવે આંતરિક જૂથવાદ અને રાજકીય ષડયંત્ર તરફ વળી રહી હોય તેવું જણાય છે. આ ઘટનામાં સંડોવાયેલા યુવક સબીર મીરે પોલીસ સમક્ષ નવું નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે. તેણે દાવો કર્યો છે કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં, પરંતુ 'આપ'ના જ એક સ્થાનિક નેતાના કહેવાથી કર્યું હતું.
કોના ઈશારે ફેંકાયું જૂતું?
જૂતું ફેંકનાર યુવક સબીર મીરે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સબીરના આ નિવેદને આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા મોટા જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. અગાઉ સબીરે અલગ નિવેદન આપ્યું હતું, પરંતુ હવે વારંવાર બદલાતા તેના નિવેદનોથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.










