સોરઠ પંથકમાં વન્ય પ્રાણીઓના માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વહેલી સવારે વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના 4 વર્ષના બાળક પર સિંહણે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


વહેલી સવારે શિકારી સિંહણ ત્રાટકી

ઘટનાની મળતી માહિતી અનુસાર, નાની મોણપરી ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂર પરિવાર વસવાટ કરે છે. રવિવારે વહેલી સવારે જ્યારે પરિવાર ખેતીકામમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ચઢી આવી હતી. સિંહણે આંગણામાં રમી રહેલા 4 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. સિંહણ બાળકને દબોચીને બાજુની ઝાડીઓમાં ખેંચી ગઈ હતી.

પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા સિંહણ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી ગઈ હતી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે માસૂમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

વન વિભાગ અને સાસણની રેસ્ક્યુ ટીમ દોડતી થઈ

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વિસાવદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે. સિંહણને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની અને લોકેશન ટ્રેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ખેતરોમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.


આ પણ વાંચો - Junagadh News: રહેણાંક વિસ્તારમાં સિંહણના આટાફેરા, જુઓ Video


  • Follow us on: