જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કાજલીયાળી ગામમાં ખનન માફિયાઓ અને વહીવટી તંત્ર વચ્ચેની કથિત સાંઠગાંઠનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગામની ગૌચરની કિંમતી જમીનમાં માટીનું ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ કરવા ગયેલા ગામના સરપંચને જ અધિકારીઓએ ધમકાવ્યા હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.
ગૌચરની જમીન પર માફિયાઓનો કબજો
કાજલીયાળી ગામના ગૌચરમાં ખનન માફિયાઓ દ્વારા કોઈપણ પરવાનગી વગર બેફામ માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત અને ગામના હિતમાં જ્યારે સરપંચે આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો અને તંત્રને રજૂઆત કરી, ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે સરપંચનો જ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
