જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાપરડા ગામની સીમમાં એક કાર બેકાબૂ બની ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


બાઇક સવારને બચાવવા જતા નડ્યો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે કાર ચાલક પોતાના પરિવાર સાથે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક બાઇકચાલક સામે આવતો હતો. તે સમયે બાઇક સવારને બચાવવા માટે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પૂર પાટ ઝડપે રસ્તાની બાજુમાં આવેલા પક્ષીઓના ચબૂતરા સાથે અથડાઇ હતી. કાર એવી જોરદાર અથડાઇ હતી કે કારનો આગળવો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

અકસ્માત થતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તો પૈકી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ચાપરડા અને વિસાવદર પંથકમાં શોકનું મોજું

આ ઘટનાને પગલે ચાપરડા અને વિસાવદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. માર્ગ પરના અણધાર્યા વળાંકો અને અચાનક સામે આવતા વાહનોને કારણે સર્જાતી આવી ઘટનાઓ ફરી એક વખત ટ્રાફિક સુરક્ષા પ્રત્યે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચોઃ Ghandhinagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ,માણસા અને દહેગામમાં અનામત બેઠકોનું નવું સમીકરણ


  • Follow us on: