જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. 'તારા ભાઈ અને કાકાની લાશ મારી ગાડીમાં છે' તેમ કહી ડરાવી-ધમકાવીને એક યુવતીનું અપહરણ કર્યા બાદ તેની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા યુવતીના ઘરે પહોંચ્યો

ગત ૧૮ તારીખે આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા યુવતીના ઘરે પહોંચ્યો હતો. તેણે યુવતીને ખોટું બોલીને ડરાવી હતી કે તેના કાકા અને ભાઈની લાશ તેની ગાડીમાં પડી છે. ગભરાયેલી યુવતી ગાડી પાસે તપાસ કરવા ગઈ ત્યારે ગાડીમાં કોઈ લાશ નહોતી, પરંતુ નરાધમ ભૂરો તેને જબરદસ્તી ગાડીમાં બેસાડવા લાગ્યો હતો. આ સમયે યુવતીના કાકી વચ્ચે પડતા આરોપીએ તેમને પણ ઝાપટ મારી ફંગોળી દીધા હતા અને યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.

બળજબરીથી યુવતીના માથામાં સિંદૂર પૂર્યું

આરોપી યુવતીને માંઢડાં-સોનલધામ પાસે લઈ ગયો હતો, જ્યાં તેણે બળજબરીથી યુવતીના માથામાં સિંદૂર પૂરી ફોટોગ્રાફી કરી લગ્નનું નાટક રચ્યું હતું. ત્યારબાદ તેને પંચાળા અને ત્યાંથી એક ફાર્મ હાઉસમાં કેદ કરી રાખી હતી. નરાધમ ભરતે અહીં યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

યુવતીને કેશોદ મૂકીને આરોપીએ ધમકી આપી

બીજા દિવસે સવારે યુવતીને કેશોદ મૂકીને આરોપીએ ધમકી આપી હતી કે, "જો કોઈને કહીશ તો તને અને તારા આખા પરિવારને પતાવી દઈશ."

આરોપી રીઢો ગુનેગાર

પોલીસે આ મામલે કડક વલણ અપનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત ચાંચિયાને દબોચી લીધો છે.આરોપી કોઈ સામાન્ય શખ્સ નથી, તે રીઢો ગુનેગાર છે..તે અગાઉ મર્ડર અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આરોપી બે પત્નીઓ ધરાવે છે છતાં તેણે આ હીન કૃત્ય આચર્યું છે.

આરોપીની કડક પૂછપરછ

કેશોદ પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. આવા નરાધમને કડકમાં કડક સજા થાય તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો----     AMC જાહેર કાર્યક્રમો માટે પાણીની ખરીદી કરશે, પોતાનો જ પ્લાન્ટ બંધ હોવાથી 50 લાખના ટેન્ડરને અપાઇ મંજૂરી

  • Follow us on: