આ પ્રયોગમાં દરેક પોલીસ સ્ટેશન તથા ડિવિઝન હેઠળના કર્મીઓના છેલ્લા છ મહિનાના કામગીરીનો વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. તેમાં ડિટેક્શન રેશિયો, બાતમીદારોનું નેટવર્ક, કેસ ઉકેલવાની ક્ષમતા, અરજદારો સાથેનો વ્યવહાર, પોલીસ-પ્રજા મિત્રતા, ડ્રેસ-ડિસિપ્લિન તેમજ વિભાગ પ્રત્યેની વફાદારી જેવા માપદંડોના આધારે કર્મીઓને ઉત્તમ (A), સારી (B), સાધારણ (C) અને નબળી (D) એમ ચાર ગ્રેડ આપવામાં આવ્યા. પરિણામે 314 કર્મીઓને A અને B ગ્રેડ મળ્યો, જ્યારે 95 કર્મીઓને C અને D ગ્રેડ આપીને તેમની બદલી કરવામાં આવી.
જૂનાગઢ જિલ્લા પોલીસ બેડામાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે
ખાસ કરીને અમુક પોલીસ સ્ટેશનોમાં ત્રણથી પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ પેંધાઈ ગયેલા કર્મીઓને ખસેડીને નવા ચહેરા લાવવામાં આવ્યા છે. સારી કામગીરી ધરાવતા કર્મીઓને વધુ સારા અને મહત્ત્વના પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપી પ્રોત્સાહિત કરાયા છે. એસપી ઓડેદરાએ આ બદલીઓમાં કોઈપણ પ્રકારની ભલામણ કે ભેદભાવને સ્થાન ન આપતાં ફક્ત કામગીરીના મૂલ્યાંકનને જ આધાર બનાવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધશે તેવો વિશ્વાસ છે અને જિલ્લા પોલીસ બેડામાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.













