સમગ્ર દેશમાં હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હાસ્ય કલાકાર શાહબુદ્દિન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાંખવા માટે અરજી થઈ હોવાનો કોંગ્રેસના આગેવાને દાવો કર્યો હતો. સુરેન્દ્રનગરના થાન ખાતે રહેતા શાહબુદ્દિન રાઠોડનું ફોર્મ નંબર સાત ભરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઢોલકવાદર હાજી કાસમ રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવાનો કારસો સામે આવ્યો છે.
વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ ધડાકો કર્યો
26 જાન્યુઆરી 2026ની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પાંચમાંથી એક એવા જાણીતા ઢોલકવાદક હાજી રમકડુંના નામે જાણિતા હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અરજી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢના હાજી કાસમ કાયમી સ્થળાંતર થઈ ગયા હોવાની અરજી કરવામાં આવી છે. સંજય જમનાદાસ મણવર નામના વ્યક્તિએ આ અરજી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે હાજી કાસમ રાઠોડના પરિવારના અન્ય સભ્યોનું નામ ઉમેરવા સમયે પણ વાંધા અરજી રજૂ કરાઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. જૂનાગઢ કોંગ્રેસના વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ ધડાકો કર્યો છે.
