જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરીના રેકેટ સામે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાની સખ્તાઈ સામે આવી છે. છેલ્લા બે દિવસમાં સતત બીજી મોટી કાર્યવાહીમાં આજે વંથલી-માણાવદર રોડને અડીને વહેતી ઉબેણ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતી કાઢતું હિટાચી મશીન તંત્રએ કબજે કર્યું છે.

સાદી રેતી ખનન કરતા શખ્સોને ઝડપી પાડ્યા

બે દિવસ અગાઉ કેશોદ પ્રાંત અધિકારી વંદના મીણાએ શીલ અને માંગરોળ તાલુકાના વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને રોયલ્ટી પાસ વિનાના બિલ્ડીંગ લાઈમસ્ટોનથી ભરેલા ૨૬ ટ્રક જપ્ત કર્યા હતા. તે જ સ્થળોએથી બે ચકરડીઓ પણ કબજે કરવામાં આવી હતી. જ્યારે સાત વાહન ચાલકો પાસેથી રૂ.૭ લાખનો દંડ વસૂલાયો હતો. આ કાર્યવાહીમાં જિલ્લા ખાણ-ખનીજ વિભાગની બેદરકારી પણ ખુલ્લી પડી હતી.આ ઘટનાના પડઘમ વચ્ચે જ કલેક્ટરએ જિલ્લાભરમાં ગેરકાયદે ખનન સામે સતત દરોડા પાડવાના સ્પષ્ટ આદેશો કર્યા હતા. તેના ભાગરૂપે આજે વહેલી સવારે વંથલી તાલુકાના ઉબેણ નદી કાંઠે પહોંચેલી તંત્રની ટીમે નદીના પટમાંથી હિટાચી મશીન દ્વારા ધડાધડ સાદી રેતી ખનન કરતા ઝડપી પાડ્યા હતા.

લોકો ટીમને આવતી જોઈ નાસી છૂટ્યા

મશીન ચાલક અને સંડોવાયેલા લોકો ટીમને આવતી જોઈ નાસી છૂટ્યા હતા, પરંતુ મશીનને તાત્કાલિક કબજે કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જૂનાગઢ જિલ્લામાં ઉબેણ, રાવલ, મચ્છુંદ્રી જેવી મોટી નદીઓના વિશાળ પટમાં લાંબા સમયથી રેતી માફિયા સક્રિય છે. સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ લાંબા સમયથી આ અંગે રજૂઆતો કરતા આવ્યા છે કે નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનનથી પાણીનું સ્તર ઝડપથી નીચું જઈ રહ્યું છે અને ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે. કલેક્ટરની આ સતત કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં દહેશતનો માહોલ છવાયો છે, જ્યારે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી છે કે આખરે તંત્ર જાગ્યું છે અને નદીઓ તેમજ ખનીજ સંપત્તિનું રક્ષણ થઈ રહ્યું છે.


આ પણ વાંચોઃ Junagadh News: મહાશિવરાત્રીના મેળાને લઈ મનપા-પોલીસની સંયુક્ત કાર્યવાહી, ભવનાથ તળેટીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા