ગિરનારની ગોદમાં યોજાનાર વિશ્વવિખ્યાત મહાશિવરાત્રી મેળાને હવે માત્ર થોડા મહિના જ બાકી છે.ગત વર્ષે કમોસમી વરસાદને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવી પડી હતી, પરંતુ આ વખતે જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકા કોઈ કસર છોડવા તૈયાર નથી. ૨૦૨૬ના મેળાની તૈયારીઓ અત્યારથી જ ઝડપભેર ચાલુ થઈ ગઈ છે.થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા ભવનાથ તળેટી વિસ્તારના હોટલ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.
ભવનાથમાં ખાસ કંટ્રોલ રૂમ સ્થાપવાનું નક્કી થયું
આ બેઠકમાં મેળા દરમિયાન ભાવિકોની સુવિધા માટે હોટલોના શૌચાલયો ૨૪ કલાક ખુલ્લા રાખવા, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને સફાઈના કડક ધોરણો જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. હોટલ સંચાલકોએ આ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી છે.મેળાના સુચારુ વ્યવસ્થાપન માટે ભવનાથમાં ખાસ કંટ્રોલ રૂમ સ્થાપવાનું નક્કી થયું છે. આ કંટ્રોલ રૂમ માટે ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદે ઝૂંપડા તથા પેશકદમીઓ થઈ ગઈ હતી. આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમોએ પોલીસની ભારે બંદોબસ્ત વચ્ચે આ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા અને જમીનને સંપૂર્ણપણે ખાલી કરી દીધી.













