જુનાગઢના વંથલી પંથકમાંથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ વિરૂદ્ધ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાણ અને ખનીજ વિભાગે વંથલી વિસ્તારમાં વ્યાપક દરોડા પાડીને ખનીજ માફિયાઓ વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સઘન તપાસ દરમિયાન તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


બાતમીના આધારે સઘન તપાસ

વંથલી પંથકમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો અને બાતમી ખાણ-ખનીજ વિભાગને મળી રહી હતી. આ અહેવાલોને પગલે ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા વંથલીના શંકાસ્પદ વિસ્તારોમાં અચાનક સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ ગેરકાયદે ખનન થતા સ્થળો પર રેડ પાડીહતી અને સ્થળ પરથી જ ખનન કાર્યમાં વપરાતા મસમોટા વાહનો અને અન્ય સાધનો રંગેહાથ પકડી પાડ્યા હતા.

રૂ.3 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ

ખાણ વિભાગની આ આકસ્મિક અને કડક કાર્યવાહીમાં ઘટનાસ્થળેથી જે વાહનો અને હિટાચી કે જેસીબી જેવા કિંમતી મશીનો કબ્જે કરવામાં આવ્યા છે, તેની અંદાજિત કિંમત રૂપિયા 3 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા આ તમામ વાહનો અને ગેરકાયદેસર રીતે ખોદાયેલું ખનીજ જપ્ત કરીને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારની તિજોરીને નુકસાન પહોંચાડીને કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા ભૂમાફિયાઓ પર આકરી તવાઈ આવતા સમગ્ર જુનાગઢ જિલ્લાના ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: