ભારે કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે સહાય મેળવવા માટે ખેડૂતોની અરજીઓ લેવામાં આવી હતી. જે અન્વયે ભેંસાણ તાલુકામાં ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે.

જયેશ રામજી ખંભાળીયા સામે ફરિયાદ નોધાવી

ભેંસાણ પોલીસ સ્ટેશનમાં આજે તાલુકા પંચાયતના સીડીપી ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવીણભાઈ કથીરીયાએ ખજૂરી હડમતીયા ગ્રામ પંચાયતના વીસીઈ તરીકે ફરજ બજાવતા જયેશ રામજી ખંભાળીયા સામે ફરિયાદ નોધાવી છે. જેમાં એવું જણાવ્યું છે કે, ઓકટોબર-૨૦૨૫ માં ભારે વરસાદના લીધે નુકશાન થયેલ જે અંગે ખેડૂતોને રાહત પેકેજ જાહેર થયું જેમાં બે હેક્ટરની મર્યાદામાં 44 હજાર આપવાનું નક્કી થયેલ હતું.

ખોટા રેકર્ડ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ

જે અંગે રાહત ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા, જે ફોર્મ ચકાસણી કરવાની જવાબદારી કેયુરભાઈની હતી, અને ડીડીઓએ તેમને ભેંસાણના ખજૂરી હડમતીયા ગામમાં ભરાયેલ ફોર્મની ચકાસણી કરવાની હતી, જેમાં તપાસમાં અમુક ખેડૂતો મરણ ગયેલ અને અમુક ખેડૂતોની ડબલ નોધણી કરીને આધારકાર્ડ જે તે ખાતેદાર ખેડૂતનું નહી નાખી અન્યના નંબર નાખી ખાતેદાર ખેડૂતોની બનાવટી સહી કરી ખોટા રેકર્ડ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

30 જેટલા ખેડૂતોના ફોર્મમાં અનેક વિસંગતતા

જે લાભાર્થીના ફોર્મમાં 30 જેટલા ખેડૂતોના ફોર્મમાં અનેક વિસંગતતા જોવા મળી હતી, અને તેમાં છ ખેડૂતોના મરણ થયેલ હોવા છતાં તેમના નામે સહાય મેળવવા માટેના ફોર્મની અરજીઓ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે, અને વીસીઈ જયેશ રામજી ખંભાળીયા દ્વારા કૌભાંડ આચરીને કુલ રૂ.૯,૪૯,૩૭૦ ની રકમની છેતરપીંડી આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gandhinagar: 70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર