જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. અહીં માત્ર લાઈટ રિપેરિંગ જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ એક યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કે ફરિયાદ ન નોંધાતા, આઘાતમાં સરેલા ભોગ બનનાર યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.


સામાન્ય બોલાચાલી બાદ માર્યો ઢોર માર

મધુરમ વિસ્તારમાં લાઈટ રિપેરિંગ કરવા જેવી નજીવી બાબતે સ્થાનિક સ્તરે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ યુવક તેમજ તેના માતા-પિતા સાથે અત્યંત અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ દબંગાઈ પર ઉતરી આવેલા શખ્સોએ યુવકને ઘેરી લીધો હતો અને તેની પર બેરહેમીપૂર્વક હુમલો કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરોએ કઈ રીતે કાયદાના ડર વિના આતંક મચાવી યુવકને માર માર્યો હતો.

પોલીસની નિષ્ક્રિયતાથી યુવકે અંતિમ પગલું ભર્યું

આ ભયાનક હુમલાનો ભોગ બન્યા બાદ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે ઘટનાના સીસીટીવી પુરાવા હોવા છતાં પણ પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધી ન હતી અને તેમને આંખ આડા કાન કર્યા હતા. ત્યારબાદ એક તરફ દબંગોનો માર અને બીજી તરફ પોલીસ તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે યુવક સખત માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. આ આઘાત અને ન્યાય ન મળવાના અજંપામાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસની ભૂમિકા સામે રોષ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: