જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) દ્વારા પાંચ વર્ષ પહેલાં શહેરમાંથી એકત્ર થતા ઘન કચરામાંથી CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બનાવવાની યોજના પર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પ્લાન્ટ કાર્યરત ન થતાં ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ખુદ જૂનાગઢ મનપાના સંબંધિત અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આશરે પાંચ વર્ષ પૂર્વે, તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર વખતે, મનપાએ ઘન કચરાના નિકાલ અને તેમાંથી CNG ગેસનું ઉત્પાદન કરીને આવક મેળવવાના વિઝન સાથે રૂપિયા 4.96 કરોડના ખર્ચે ઇવનગર ડમ્પિંગ સાઇટ પર આ પ્લાન્ટ નાખ્યો હતો.
બાયોમીથેનેશન પ્લાન્ટનું ભવિષ્ય અધ્ધરતાલ
જોકે, પ્લાન્ટ કાર્યરત ન થતાં કરોડો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્લાન્ટ શરૂ ન થવા પાછળનું એક મુખ્ય કારણ PESO (Petroleum and Explosive Safety Organization) સર્ટીફિકેટના વાંકે ઘન કચરાનો નિકાલ અટક્યો છે. CMO ડેસ્ક બોર્ડ તરફથી તાજેતરમાં મીડિયા અહેવાલની નોંધ લઈને મનપાને સવાલ કરાયો છે કે પ્લાન્ટ કેમ કાર્યરત થયો નથી અને કેટલા સમયમાં તે ચાલુ થશે? CMOના આદેશથી મનપા કચેરીમાં દોડધામ મચી જવા પામી છે.













