જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલી જાણીતી એલ.કે. હાઈસ્કૂલ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. શાળાના ગણવેશમાં જ વિદ્યાર્થીઓ અંદરોઅંદર રસ્તા પર બાખડી પડતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.

કેશોદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

મળતી માહિતી મુજબ, કોઈ જૂની અદાવત કે નજીવી બાબતે વિદ્યાર્થીઓના બે જૂથ સામસામે આવી ગયા હતા. હાઈસ્કૂલ પાસેના જાહેર માર્ગ પર જ વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા અને છૂટાહાથની મારામારી શરૂ કરી દીધી હતી. આ દ્રશ્યો જોઈ રાહદારીઓ અને વાહનચાલકો અટકી ગયા હતા.

લોકોએ ચખાડ્યો મેથીપાક

વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો વધતા જોઈ કેટલાક જાગૃત રાહદારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હિંસા પર ઉતરેલા કેટલાક વિદ્યાર્થીઓને લોકોએ પણ પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ અફરાતફરીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

વીડિયો વાયરલ અને પોલીસ કાર્યવાહી

આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ એકબીજાને માર મારતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ મામલે કેશોદ પોલીસે વાયરલ વીડિયોને આધારે વિદ્યાર્થીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, શાળા પ્રશાસને પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો: Gandhinagar: પૂર્ણેશ મોદી નવા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા, ધ્વનિ મતથી યોજાઈ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી