વિશ્વ વિખ્યાત ગીર અભયારણ્ય નજીકના સાસણ ખાતેના નર્સરી વિભાગમાં દીપડાએ અચાનક હુમલો કરતાં એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ઘટના આજે બપોરના સમયે બની હતી જ્યારે નર્સરી વિભાગમાં 40 વર્ષીય મજૂર તેના રોજીંદા કામમાં વ્યસ્ત હતો. અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ આ મજૂર પર હુમલો કર્યો હતો. દીપડાના આ હુમલામાં મજૂરને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.

નર્સરી વિભાગમાં દીપડાની દહેશત

સાથી કામદારોએ બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તાત્કાલિક ઇજાગ્રસ્ત મજૂરને સારવાર અર્થે પહેલા નજીકના આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ ગંભીર ઇજાઓને કારણે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના બાદ નર્સરી વિભાગના અન્ય મજૂરો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વન વિભાગને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાને પકડવા માટે વધુ પેટ્રોલિંગ અને પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં પણ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.