ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ આ વખતે સિંહોએ સીધી જ એક ભોજન સમારંભમાં હાજરી આપી હતી. જૂનાગઢના પ્લાસવા પાટી પ્લોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે મહેમાનો જમી રહ્યા હતા, ત્યારે અચાનક બે વનરાજ ત્યાં આવી ચડ્યા હતા.
લોકોના જીવ તાળવે ચોંટ્યા
ભોજન પીરસાઈ રહ્યું હતું તે જ સમયે સિંહોની ગર્જના અને હાજરીથી આખા પ્લોટમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જમતા મહેમાનો પોતાની પ્લેટો મૂકીને સુરક્ષિત જગ્યાએ ભાગવા લાગ્યા હતા. સિંહો આરામથી જમણવારની જગ્યાએ આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા હતા.










