જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ અધિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં જૂનાગઢ એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. સાસણ ગીરના નેશ વિસ્તારમાં રહેણાંક મકાનની પાછળ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતરનો પોલીસે પર્દાફાશ કરી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


ગાંજાના વાવેતરનો પર્દાફાશ

જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ SOG પીઆઈ આર.કે. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ કરશનભાઈ મોઢા અને મેણસીભાઇ અખેડને બાતમી મળી હતી કે, મેંદરડા તાલુકાના હરીપુર-ભાલછેલ રોડ પર આવેલા લક્કડવેરા નેશમાં રહેતો એક ઈસમ માદક પદાર્થનું વાવેતર કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 47 વર્ષીય બાપુમીયા ઈસ્માઈલમીયા બુખારીના મકાનના પાછળના ભાગે, રસોડાની દીવાલને અડીને ઉગાડવામાં આવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.

મુદ્દામાલ અને આરોપીની પ્રોફાઈલ

 પોલીસે કુલ 3 કિલો 360 ગ્રામ વજનના ગાંજાના લીલા છોડ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા છોડની અંદાજિત કિંમત 1.68 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પકડાયેલ આરોપી બાપુમીયા સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે.

કબૂલાત અને તપાસ

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેને ગાંજો પીવાની લત (ટેવ) હોવાથી તેણે આ બી વાવ્યા હતા. જોકે, પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી માત્ર પોતાના વપરાશ માટે જ આ વાવેતર કરતો હતો કે પછી તેના વેચાણના નેટવર્ક સાથે પણ જોડાયેલો છે. હાલમાં મેંદરડા પોલીસ મથકે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: લીમડીના સુથારવાસામાં પરિણીતા પર પતિ-સાસુનો ત્રાસ, તારા બાપના ઘરેથી શું લાવી છે' કહી પહેરેલા કપડાંમાં કાઢી મૂકી

  • Follow us on: