જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં ગત મોડી રાત્રે બુકાનીધારી તસ્કર ગેંગે આતંક મચાવ્યો છે. યાર્ડમાં આવેલી ફળોની એક પેઢીને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી આલમમાં ભારે રોષ અને ફફડાટ ફેલાયો છે.

દોલતપરા શાકભાજી યાર્ડમાં ચોરી 

મળતી માહિતી મુજબ, તસ્કરોએ દોલતપરા શાકભાજી યાર્ડમાં આવેલી ફળોની પેઢીમાં રાત્રિના અંધકારનો લાભ લઈ પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દુકાનમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઓફિસના ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા 2,83,000 ની રોકડ રકમની ચોરી કરી હતી અને જોતજોતામાં પલાયન થઈ ગયા હતા.

સીસીટીવી ફૂટેજ અને તપાસ

ચોરીની આ સમગ્ર ઘટના દુકાન અને યાર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં બુકાનીધારી શખ્સો શંકાસ્પદ રીતે હિલચાલ કરતા અને ચોરીને અંજામ આપતા નજરે પડે છે. ઘટનાની જાણ થતા જ વેપારીએ જૂનાગઢ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Junagadh: વિસાવદરના પિયાવા ગામે ધોરણ-10ના વિદ્યાર્થીએ વાડીએ જઈ જીવન ટૂંકાવ્યું