જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની આશંકા વચ્ચે જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટી સફળતા મળી છે. જેલની બેરેકમાં સર્ચ ઓપરેશન દરમિયાન ટીવીના સેટઅપ બોક્સમાં છુપાવેલી મોબાઈલ એસેસરીઝ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
જેલની બેરેકમાં સર્ચ ઓપરેશન
જેલ સત્તાધીશો દ્વારા સમયાંતરે કરવામાં આવતી આકસ્મિક ઝડતી (સર્ચ) દરમિયાન બેરેકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કેદીઓ જે ટીવી જોતા હોય છે, તેના સેટઅપ બોક્સમાં કઈક અજૂગતું જણાયું હતું. સેટઅપ બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી એક મોબાઈલ ફોન, એક્ટિવ સિમકાર્ડ, અને ડેટા કેબલ (ચાર્જિંગ કેબલ) મળી આવ્યા હતા.
શાતિર રીતે છુપાવ્યો હતો સામાન
જેલની અંદર મોબાઈલ ફોન ન પકડાય તે માટે કેદીઓએ ખૂબ જ શાતિર નુસખો અપનાવ્યો હતો. બહારથી જોતા સામાન્ય લાગતા સેટઅપ બોક્સની અંદર આ તમામ ચીજવસ્તુઓ એવી રીતે ફિટ કરવામાં આવી હતી કે કોઈને શંકા ન જાય. જોકે, જેલ સ્ટાફની ઝીણવટભરી તપાસમાં આ ભાંડો ફૂટી ગયો હતો.
ત્રણ કેદીઓ સામે પોલીસ કાર્યવાહી
આ મામલે જેલ પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ 3 કાચા કામના કેદીઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેલની અંદર આ વસ્તુઓ કોના મારફતે પહોંચી અને જેલની અંદર આ મોબાઈલનો ઉપયોગ કયા ગુનાહિત કામો માટે કરવામાં આવતો હતો, તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Ahmedabad: બોડકદેવના વેપારી સાથે ઓનલાઈન ઘીના નામે લાખોની છેતરપિંડી, એડવાન્સ પેમેન્ટ લઈને ગઠિયો ફરાર