જૂનાગઢ શહેરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી કામગીરી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી ગુમ થયેલા મોબાઈલ ફોન અને ફસાયેલા નાણાં પરત અપાવી પોલીસે પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. એક ખાસ કાર્યક્રમ યોજીને પોલીસે મૂળ માલિકોને તેમનો સામાન સુપરત કર્યો હતો.
ટેકનોલોજીની મદદથી 10 મોબાઈલ શોધાયા
'સી' ડિવિઝન પી.આઈ. એ.બી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોનની ફરિયાદો પર ગંભીરતાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારત સરકારના CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. 2,13,565 થાય છે. વર્ષોની મહેનતની કમાણીથી ખરીદેલા ફોન પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
ફસાયેલા નાણાં પણ પરત અપાવ્યા
માત્ર મોબાઈલ જ નહીં, પોલીસે એક નાણાકીય વિવાદમાં પણ સફળ મધ્યસ્થી કરી હતી. એક અરજદારે આપેલા રૂ. 20,000 હાથ ઉછીના નાણાં પરત મળતા ન હતા. પોલીસે સામાવાળા પક્ષને સમજાવટથી મામલો ઉકેલવા પ્રેર્યા અને અરજદારને તેમની પૂરેપૂરી રકમ પરત અપાવી ન્યાય અપાવ્યો હતો. આમ, કુલ રૂ. 2,33,565નો મુદ્દામાલ લોકોને પરત સોંપવામાં આવ્યો હતો.
પોલીસ ટીમની પ્રશંસા
આ કામગીરીમાં પી.આઈ. એ.બી. ગોહિલની સાથે હેડ કોન્સ્ટેબલ ડી.એલ. બકોત્રા, વુમન કોન્સ્ટેબલ રિદ્ધિબેન અને સાયબર એક્સપર્ટ વિશ્વાબેન કાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે ખાતરી આપી છે કે હજુ પણ બાકી રહેલા ગુમ મોબાઈલો શોધવાની પ્રક્રિયા ચાલુ છે અને તે પણ તબક્કાવાર પરત કરવામાં આવશે. આ પોઝિટિવ અભિગમથી જૂનાગઢ પોલીસની છબી વધુ સુદ્રઢ બની છે.
આ પણ વાંચો: ખાપટ ગામની વાડીમાં ભરબપોરે સિંહોની એન્ટ્રી, ખેતરોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ