ગીરની સરહદે આવેલા ઉના તાલુકામાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહત વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે. ઉના શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામમાં દિવસ દરમિયાન બે સિંહ વાડી વિસ્તારમાં ચઢી આવતા શ્રમિકો અને ખેડૂતોમાં ભારે ફયનો માહોલ જોવા મળ્યો હતો.


માનવ વસાહત બન્યું સિંહોનું નવું સરનામું

છેલ્લા કેટલાક સમયથી એશિયાટિક સિંહો જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા હોય તેવું જણાય છે. ખાપટ ગામની વાડીઓમાં દિવસના સમયે જ સિંહો દેખા દેતા ખેતમજૂરોમાં ડર વ્યાપી ગયો છે. ખેતરોમાં કામ કરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે સિંહોની હાજરીને કારણે ખેડૂતો અને શ્રમિકો ખેતરમાં જતાં પણ ગભરાઈ રહ્યા છે.

શિકારની શોધમાં ગામ તરફ આવવાની ભીતિ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન વાડીમાં દેખાયેલા આ સિંહો રાત્રિના સમયે શિકારની શોધમાં ગામની અંદર પણ આવી શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા એક તરફ ભયનો માહોલ છે, તો બીજી તરફ સિંહ પ્રેમીઓ સિંહના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

વન વિભાગ પાસે પેટ્રોલિંગની માંગ

સિંહો અને માનવ વચ્ચે કોઈ સંઘર્ષ ન સર્જાય તે માટે વન વિભાગ સક્રિય થાય તેવી લોક માંગ ઉઠી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને સિંહોને માનવ વસાહતથી દૂર રાખવામાં આવે તે જરૂરી બન્યું છે. સિંહોના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા આંટાફેરાએ વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બનાવ્યો છે.

આ પણ વાંચો:મંત્રી મનીષા વકીલનો સંવેદનશીલ અભિગમ, દિવ્યાંગ બાળકોને તિલક કરી ભાવભીનું વાતાવરણ સર્જ્યું

  • Follow us on: