સામાન્ય રીતે જ્યારે કોઈ મંત્રી કાર્યક્રમમાં આવે ત્યારે તેમનું સ્વાગત ફૂલહાર કે તિલક કરીને કરવામાં આવતું હોય છે, પરંતુ નવસારીમાં આનાથી વિપરીત અને અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ જ્યારે દિવ્યાંગ બાળકોની મુલાકાતે પહોંચ્યા, ત્યારે પ્રોટોકોલને બાજુ પર મૂકી તેમનો માતૃત્વસભર અને ભાવનાત્મક અભિગમ સામે આવ્યો હતો.
સ્વાગત લેવાને બદલે બાળકોનું સ્વાગત કર્યું
નવસારીમાં મંત્રીના સ્વાગત માટે દિવ્યાંગ બાળકો તિલક લઈને ઉભા હતા. આ બાળકો મંત્રીનું સ્વાગત કરે તે પહેલા જ મનીષા વકીલે જાતે આગળ વધીને બાળકોને તિલક કરી તેમને વધાવ્યા હતા. એક મંત્રી તરીકે સ્વાગત સ્વીકારવાને બદલે દિવ્યાંગ બાળકોને માન આપી તેમનું સન્માન કરવાની આ ચેષ્ટાએ વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું હતું.










