લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. દેદીયાસણ GIDC વિસ્તારમાં આવેલી બે ડેરીઓમાં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરીને નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વનસ્પતિ તેલના મિશ્રણથી પનીર બનાવી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી બે પેઢીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
દેદીયાસણ GIDCમાં ફૂડ વિભાગના દરોડા
મહેસાણા ફૂડ વિભાગને બાતમી મળી હતી કે દેદીયાસણ GIDC પાછળ આવેલી ડેરીઓમાં ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે જય મહાકાળી મિલ્ક ડેરી અને નમન મિલ્ક ડેરી માં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડેરીઓમાં દૂધને બદલે વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને શંકાસ્પદ પનીર તૈયાર કરવામાં આવતું હતું.
2.72 લાખનો મુદ્દામાલ જપ્ત
ફૂડ વિભાગની આ કાર્યવાહીમાં બંને ડેરીઓમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીર અને તેમાં વપરાતા વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ ₹2.72 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પનીર ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને પેઢીઓમાંથી પનીર અને તેલના નમૂના (સેમ્પલ) મેળવ્યા છે, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરીના માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોની સિઝન પહેલા ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત