જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. પાલિકા પ્રમુખ ક્રિશ્નાબેન થાપણિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના શાસનમાં ઘરઆંગણે જ ભંગાણ પડતા હવે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ જણાઈ રહી છે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

માંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે. હાલના પક્ષીય સમીકરણોમાં ભાજપના 15 સભ્યો,કોંગ્રેસના 15 સભ્યો, બસપા (BSP) ટેકા સાથે સત્તામાં ભાગીદાર અપક્ષ નિર્ણાયક ભૂમિકામાં ભાજપે 20 વર્ષ બાદ બસપાના ટેકાથી અહીં સત્તા મેળવી હતી, પરંતુ માત્ર એક જ વર્ષમાં શાસક પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. ભાજપના જ 8 સભ્યોએ નારાજગી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિનો લાભ લઈને કોંગ્રેસે તુરંત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે.

ભાજપના ગઢમાં ગાબડાનું નારાજગી કારણ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાના કામોમાં સભ્યોની અવગણના અને શાસક પક્ષની આંતરિક ખેંચતાણને કારણે ભાજપની પેનલ નબળી પડી છે. ભાજપના જ સભ્યોના બળવાખોર તેવરને કારણે 20 વર્ષે મળેલી સત્તા ભાજપ માત્ર એક વર્ષમાં જ ગુમાવી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

બસપા અને અપક્ષ સભ્યો 'કિંગમેકર'

હાલ ભાજપ અને કોંગ્રેસ બંને 15-15 સભ્યો સાથે બરાબરી પર છે. હવે જે પણ પક્ષને બસપા અને અપક્ષ સભ્યોનું સમર્થન મળશે, તેની સત્તા પાલિકામાં રહેશે. અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન સમયે આ સભ્યોની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો: કતારગામના જે.કે.પી નગરમાં યુવકની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ખેલ્યો મોતનો ખેલ