શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ધનમોરા ચાર રસ્તા પાસેની એક સોસાયટીમાં મોડી રાત્રે હત્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતનું વેર રાખીને આવેલા અસામાજિક તત્વોએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
સોસાયટીમાં ઘૂસીને કર્યો હુમલો
ઘટનાની વિગતો મુજબ, કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે.કે.પી નગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. 3 થી 4 અજાણ્યા ઈસમો હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા અને વિપુલ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ વિપુલને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું પ્રાણ પંખેરું ઉડાડી દીધું હતું અને ત્યારબાદ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
જૂની અદાવત હત્યાનું કારણ?
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વિપુલ અને હુમલાખોરો વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હોવાનું અનુમાન છે, જેનું વેર રાખવા માટે આ આયોજનબદ્ધ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
હત્યાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: GPSCમાં નવા સચિવની નિમણૂંક, 2021 બેચના IAS અધિકારી એસ.કે. પટેલ સંભાળશે પદભાર