જૂનાગઢ નજીક આવેલા વડાલ પાસે આજે એસટી બસના ડ્રાઈવર પર હુમલાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરથી સોમનાથ તરફ જતી એસટી બસના ચાલક સાથે રસ્તામાં કોઈ બાબતે બબાલ થયા બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો.
સરેઆમ રસ્તા પર લાઈવ હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, વડાલ પાસે બસને આંતરીને ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ શખ્સોએ એસટી ડ્રાઈવરને બળજબરીથી નીચે ઉતાર્યો હતો અને ત્યાં જ રસ્તા પર તેને ગંભીર રીતે માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન બસમાં સવાર મુસાફરો અને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
