અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રોલેશ્વર પાસે આજે એક કમનસીબ અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ અને મોટરસાઈકલ વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ભાજપના સનિષ્ઠ કાર્યકર હસમુખલાલ ગાંધીનું ગંભીર ઇજાઓ બાદ નિધન થયું છે.
સામસામે અથડાતા અકસ્માત સર્જાયો
મળતી વિગતો અનુસાર, મેઘરજના રોલેશ્વર વિસ્તાર પાસે હસમુખલાલ ગાંધી પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા એક મોટરસાઈકલ સાથે તેમનો જોરદાર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા અને હસમુખલાલ સહિત બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હસમુખલાલ ગાંધીની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે દમ તોડ્યો હતો. બીજા બાઈક ચાલકની હાલ પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સંગઠનમાં શોકનું મોજું
હસમુખલાલ ગાંધી મેઘરજ ભાજપ સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા હતા અને વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ભાજપ સંગઠન, કાર્યકરો અને મેઘરજ તાલુકાની જનતામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક રાજકીય આગેવાનોએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મેઘરજ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ankleshwar: નેશનલ હાઈવે પર કેમિકલ કન્ટેનર બન્યું આગનો ગોળો, ફાયર ફાઈટરોની કામગીરીથી મોટી હોનારત ટળી