ગિરનારની તળેટીમાં આવેલા અને અત્યંત ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડને આગામી બે દિવસ માટે મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંડની સ્વચ્છતા જાળવવા અને ઊંડાણપૂર્વક સફાઈ કરવાના હેતુથી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

ચૈત્ર માસે ભીડમાં વધારો

હાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન સહિતની વિધિઓ માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે. સતત વપરાશ અને ભીડને કારણે કુંડના પાણી અને પરિસરની સફાઈ કરવી અનિવાર્ય બની હતી. જેને ધ્યાને રાખીને તારીખ 21 એપ્રિલ અને 22 એપ્રિલના રોજ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.

નવા નીર સાથે ફરી ખુલશે

આ બે દિવસ દરમિયાન કુંડનું પાણી ખાલી કરી, તેની અંદર જમા થયેલો કચરો અને અન્ય ગંદકી દૂર કરી ઊંડાણપૂર્વક સફાઈ હાથ ધરવામાં આવશે. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ, 23 એપ્રિલના રોજ કુંડમાં શુદ્ધ અને નવા નીર ભરવામાં આવશે. ત્યારબાદ ફરી એકવાર ભાવિકો માટે સ્નાન અને તર્પણ વિધિ માટે કુંડ ખુલ્લો મુકાશે.

આ પણ વાંચો: Palanpur: ભરચક બજારમાં આગની ઘટનાથી અફરાતફરી, એકસાથે 3 વાહનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા