જૂનાગઢના બહુચર્ચિત અને કરોડો રૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીને પકડવામાં એસ.ઓ.જી. (SOG) ને મોટી સફળતા મળી છે. અંદાજે ₹4.60 કરોડની સરકારી રકમની ઉચાપત કરનારા આરોપી વિપુલ વાલજી જેઠવાને પોલીસે તેના વતન બુધેચા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
જૂનાગઢના બહુચર્ચિત શિષ્યવૃત્તિ કૌભાંડમાં આરોપી ઝડપાયો
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે SOG પીઆઈ આર.કે. પરમારની ટીમ કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા માહિતી મળી હતી કે, શિષ્યવૃત્તિ કૌભાંડનો આરોપી વિપુલ જેઠવા માળીયા હાટીના તાલુકાના બુધેચા ગામે આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત છાપો મારીને તેને દબોચી લીધો હતો.
શું હતું આ આખું કૌભાંડ?
આ કૌભાંડ વર્ષ 2014 થી 2016 દરમિયાન આચરવામાં આવ્યું હતું, જેની વિગતો ચોંકાવનારી છે. ₹4,60,38,550 (ચાર કરોડ સાઈઠ લાખથી વધુ). જૂનાગઢની 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો અને આચાર્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના નામે નકલી દસ્તાવેજો ઉભા કરી, ખોટી હાજરી બતાવી સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી કરોડોની શિષ્યવૃત્તિ મેળવી લીધી હતી. વિદ્યાર્થીઓના હકની રકમ ખરેખર વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નહોતી, પરંતુ સંચાલકોએ ખોટા ચેક મેળવીને આખી રકમ ચાઉં કરી દીધી હતી.
15 થી વધુ આરોપીઓની ધરપકડ
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ પણ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપી વિપુલ જેઠવા આ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો અને છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
પોલીસ ટીમની કામગીરી
આ સફળ ઓપરેશનમાં પીઆઈ આર.કે. પરમાર સાથે એ.એસ.આઈ. વિક્રમ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મેણસી અખેડ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે, જેથી કૌભાંડના અન્ય પાસાઓ અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ વિગતો બહાર આવી શકે.
આ પણ વાંચો: પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીઓની ગાડીને ટેમ્પોએ મારી ટક્કર, 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા