જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેલને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી.


ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીની જાણ થતા જ જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડનો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો. કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી પોલીસે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતું. કામકાજ અર્થે આવેલા વકીલો અને અસીલોમાં ધમકીના સમાચાર સાંભળતા જ નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરાવ્યું

 સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. સ્પેશિયલ ટીમ દ્વારા કોર્ટની દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસની ઝાડીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે.

સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ

જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ હાલ જે આઈડી પરથી ઈ-મેલ આવ્યો છે તેનું લોકેશન ટ્રેક કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ કોઈ તોફાની તત્વની મજાક હોઈ શકે છે, પરંતુ ભૂતકાળમાં મળેલી આવી ધમકીઓને ધ્યાને રાખી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત બનશે ઇનોવેશનનું હબ, ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ્સ અને સાયન્સ વિભાગ માટે IP મેનેજમેન્ટ તાલીમ શિબિર યોજાઈ

  • Follow us on: